સાઠંબા સમુદાયનો ઈતિહાસ
ગોલ્ડ ફીલ્ડ લેધર વર્કસ વાળા શ્રી માણેકલાલ પ્રાણજીવનદાસ શાહે સંવત. 1992 માં જ્ઞાતીનું
ઘડતર નામનું પુસ્તક લખેલ જેનું પ્રુફ રીડીંગ " ખડાયતા મિત્ર " ના તંત્રી મુ . શ્રી
કેશવ હ . શેઠે કરેલું જેમાં ખડાયતા જ્ઞાતીના તે વખતના કાર્યકર્તાઓ પાસેથી તેમના એકડા
અને તડ વિષેની માહિતી મેળવી તેમના આ પુસ્તકમાં ઉલ્લેખ કરેલ છે . જેમાંથી આપણા સમુદાયની
પણ કેટલીક વિગત પ્રાપ્ત થઇ છે જે તેમના જ શબ્દોમાં નીચે મુજબ છે .
આ એકડાના એક આગેવાન ગૃહસ્થ તરફથી સંવત. 1974 થી સંવત. 1977 સુધીના રીપોર્ટ મળ્યા હતા
. આ ઉપરાંત સંવત. 1989 માં ડાકોર મુકામે મળેલા પંચનો રીપોર્ટ મળ્યો હતો . વચગાળાની માહિતી
મળી નહીં શકવાથી તે ઉપર વધુ અજવાળુ પાડી શકાય તેમ નથી
. સંવત. 1974-1975 ના રીપોર્ટની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક વિભાગ મોડાસા એકડાના
સમુદાયના નામે ઓળખાતો હતો તેમાં સમાનતા અને બંધુત્વ ભાવની ખીલવણી થવી જોઈતી હતી પરંતુ
કમનશીબે તેની ઉલટી જ તત્વો દાખલ થયાં હતાં , આ વિભાગમાંનો એક પક્ષ પોતાને કુળવાનને
નામે ઓળખાવતો હતો અને બીજા પક્ષને ઉતરતી પંક્તિના કહી તેને પાડવામાં આવતો હતો . એટલું
જ નહીં પણ તેમને ઉંચે ચઢવા માટેનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો ...જયારે સમુદાયમાં
સુધારો થવાનું સર્વથા અસંભવિત લાગ્યું ત્યારે તેમાંના સમજુ અને વિચારશીલ ગ્રહસ્થોએ
સ્વાશ્રયથી પોતાની ઉન્નતી કરવાનું કાર્ય હાથમાં લીધું અને એક જુદો સમુદાય બાંધી દીધો
જેને " શ્રી વિશા ખડાયતા વણિક સાઠંબા સમુદાય" ને નામે ઓળખવામાં આવે છે .
આ સમુદાયની પહેલી બેઠક ગાબટ મુકામે સંવત. 1974 ના કારતક તથા માહ વદી 2 ને રોજ બેઠી અને
સૌથી પ્રથમ તેમણે કેટલીક મહત્વની બાબતો હાથમાં લીધી હતી . પ્રસ્તુત સમુદાયમાં થયેલા
ઉત્ક્રુષ્ટ સુધારા અને આવેલી જાગૃતિ સાઠંબા નિવાસી શેઠ ભાઈચંદ નંદલાલને મુખ્યત્વે આભારી
છે . સમુદાયના શેઠ તરીકે શેઠ ધ્વારકાદાસ ધરમચંદ ( ગાબટ ) તથા શેઠ ભાઈચંદ નંદલાલને નીમવામાં
આવ્યા હતા .સમુદાયને વફાદાર રહે ત્યાં સુધી તેમની શેઠાઈ કાયમ રાખવાનો ઠરાવ થયો હતો
.
કેળવણી ફંડ અને નિરાશ્રિત ફંડ આ અરસામાં સ્થપાયાં હતાં . કેળવણી ફંડ નું વ્યાજ બીજો
નિયમ થતા સુધી અમદાવાદ ,નડીઆદ, મોડાસા અને મુંબઈમાં ઈંગ્રેજી અભ્યાસ કરવા જનારને સ્કોલરશીપ
તરીકે આપવું તેવો ઠરાવ થયો હતો . પરંતુ જે ધોરણના અભ્યાસ માટે સ્કોલરશીપ આપી હોય તે
ધોરણ પૂરું કર્યા વગર તે વિદ્યાર્થી નાસી આવે તો રાખેલી સ્કોલરશીપના પૈસા પાછા વસુલ
કરવા . સંવત. 1974 ના કાર્તિક સુદી 10 થી 1975 ના ફાગણ સુદી 5 સુધીમાં રૂ . 12947 જેટલી
રકમ થઇ હતી . તેના પેટ્રન્સ , જીવાન્સભાસદો તથા વાર્ષિક સભ્યોની સંખ્યા સંતોષપ્રદ હતી
.સંવત. 1976 ના ફાગણ સુદી 13 ને રોજ સાહેબજીના મુવાડા તાબે બાવીસી મુકામે રૂ . 7310
ભરાયા હતા . સાયરા તાબે મોડાસા મુકામે રૂ . 3705 નાંધવામાં આવ્યા હતા . સંવત. 1976 -
77 ના ત્રીજા રીપોર્ટમાં , નવી બોર્ડીંગ હાઉસની ઓરડીઓ માટે ઉત્પન્ન થયેલી રકમ રૂ .1506
મળીને, કુલ ભંડોળ રૂ. 29771 હતું . સં. 1978-79 ના રીપોર્ટમાં ભંડોળની રકમ રૂ . 37142
વંચાય છે .
તા . 15-10- 23 ને રોજ અમદાવાદ નિવાસી શેઠ કેશવલાલ હરીભાઈના પ્રમુખપણા હેઠળ સમગ્ર પંચનું
સંમેલન વડાગામ મુકામે થયું હતું . તે પ્રસંગે અમદાવાદથી ખડાયતા મિત્રના તંત્રી શ્રી
કેશવ હ . શેઠ તથા શ્રી સોમાલાલ મંગળદાસ શાહ વગેરેને પણ ન્હોતરવામાં આવ્યા હતા . અહેવાલ
અને નવા વર્ષનું બજેટ વંચાયા પછી શ્રી ચુનીલાલ જેઠાલાલ , છોટાલાલ જેઠાલાલ , ખેમચંદ
રવચંદ, બહેચરદાસ કોહ્યાદાસ તથા મોહનલાલ જમનાદાસ તરફથી જ્ઞાતી ઉપયોગી વિવિધ વિષયો વંચાયા
હતા . વળી શ્રી ભાઈચંદ ઝવેરદાસ અને શેઠ ભાઈચંદભાઈ નંદલાલે પણ પ્રસંગોચિત વિવેચન અને
ખુલાસા કરી સાઠંબા સમુદાયની સ્તુત્ય કાર્યવાહી વિષે આવશ્યક પ્રકાશ પાડ્યો હતો .ત્યાર
પછી શ્રી કેશવ હ . શેઠને ભાષણ કરવાની ભલામણ થતાં તેમણે એક કલાક સુધી પ્રત્યક્ષ અને
પરોક્ષ એમ બંને પ્રકારના અનુભવોયુક્ત જ્ઞાતીના અન્ય એકડા અને સાઠંબા સમુદાય સબંધી વિચારો
દર્શાવ્યા હતા . વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે સંવત. 1978 માં રૂ . 1107 વહેચવામાં
આવ્યા હતા . સં 1989 ના ભાદરવા સુદી 2 ને રોજ આ સમુદાયનું પંચ ડાકોર મુકામે મલ્યું
હતું ત્યારે વણનોતર્યા કેટલાક મ્હેમાનો - શ્રી સોમાલાલ મંગળદાસ શાહ , ડૉ . ભગત , શ્રી
કેશવ હ . શેઠ અને માણેકલાલ પ્રાણજીવનદાસ શાહ ત્યાં જઈ પહોંચ્યાં હતા . તે સમયે પરિષદના
ઠરાવોની, સમસ્ત કેળવણીફંડ સંબંધી અને બીજી સામાન્ય બાબતો ઉપર દાકતર સાહેબે રમુજી શૈલીમાં
અને શ્રી કેશવ હ . શેઠે જુસ્સાદાર ભાષણો કરી અમુક ઠરાવો કરાવ્યા હતા . આ સ્થળે મારે
જણાવવું જોઈએ કે જાહેર સંસ્થાના સંસ્થાનાં ભંડોળ એક કે બે ગ્રહસ્થોને ત્યાં રાખવાથી
તે ડુબી જવાનો સંભવ છે . એક સરખી સ્થિતિ કોઈની રહી નથી . આ સંજોગોમાં સંસ્થાઓનાં નાણાં
સહીસલામત સિક્યુરીટીમાં રોકવાં જોઈએ . ખાનગી ગૃહસ્થને ત્યાં જમે મૂકવાં નહીં . અમદાવાદની
દશા ખડાયતા જ્ઞાતિએ જે પ્રથા ધારણ કરી છે તે અનુકરણ કરવા જેવી છે .અગાઉ એક બે ગૃહસ્થોને
ત્યાં જમે મુકેલી રકમ વસુલ નહિ થવાથી , છેલ્લા આઠ દસ વરસથી જ્ઞાતિનું ભંડોળ દરેક લ્હેણાં
દીઠ 40/- જમે મુકવામાં આવે છે અને દર વર્ષે ગોર મારફતે રૂપિયા અઢી વ્યાજ તરીકે ઉઘરાવવામાં
આવે છે . મારા એક વિદ્વાન મિત્ર અંગત કારણોને લીધે જ્ઞાતિને એવું ઠસાવવા માગે છે કે
' સુરાજ્ય કરતાં સ્વરાજ્ય સારું '. સમસ્ત ખડાયતા કેળવણી મંડળ - અમદાવાદમાં બધાં નાણાં
ભરનારનું પ્રતિનિધિ ત્યાં જળવાય છે છતાં સ્થાનિક ભંડોળ નો વહીવટ સ્વતંત્રપણે ચલાવવાની
જે સલાહ આપે છે તે આડે માર્ગે દોરવનારી છે . સમસ્ત ખડાયતા કેળવણી મંડળમાં સુરાજ્ય સાથે
સ્વરાજ્ય પણ છે તે વાત ભુલવી જોઈતી નથી . જ્ઞાતિનાં કેટલાંક સ્થાનિક ભંડોળોનો હિસાબ
કે અહેવાલ શરુ થયા પછી બિલકુલ જોવામાં આવતો નથી . તેમાં શિષ્યવૃત્તિઓ આપવાના પણ અખાડા
કરવામાં આવે છે અને ન્યાતોના સભ્યો પટેલો સામે માથું ઉચકી શકતા નથી . માટે બંધારણ પૂર્વક
જે કામ થાય તે જ ઈચ્છવાજોગ છે .
મોડાસા એક્ડામાં સુધારક તડ નામે ઓળખાતા શ્રી સાઠંબા સમુદાય માં જયારે શેઠ તેમજ આગેવાનો
તરફથી હદ પાર આપખુદી ચલાવવામાં આવી અને ગરીબોને સતાવવામાં આવ્યા ત્યારે કેટલાક યુવકોને
તે સામે પોકાર કરવાની જરૂર પડી . પરિણામે યુવક મંડળ ની સ્થાપના થઇ મંડળની ઓફીસ અમદાવાદમાં
રાખવામાં આવી છે તેના પ્રથમના મંત્રી શ્રી સોમાલાલ જે . શાહ હતા તેમણે જબ્બર કુનેહ
અને હિમંત થી શેઠ તથા આગેવાનો સામે પત્રિકાઓ મારફતે પોકાર ચાલુ રાખ્યો . સમુદાય નું
ફંડ ઘણું મોટું હોવા છતાં તેની સુવ્યવસ્થા નહીં હોવાથી તે સંબંધી આ મંડળે સારો પ્રયાસ
કર્યો છે અને કેળવણી ફંડ ની કામ ચલાઉ વ્યવસ્થા પંચ તરફથી થઇ છે . જે વ્યક્તિઓ નો અંગત
કારણસર બહિષ્કાર થયેલો તેમને સમુદાય માં લેવામાં આવી છે . છતાં આપ ખુદી તો ઓછી થઇ નહીં
તે જમાના જુની જડ ઘાલી બેઠેલ આપ ખુદ સત્તા ને ફેકવા યુવક મંડળ તનતોડ પ્રયત્ન કરી રહ્યું
છે અને આશા છે કે આજે નહિ તો આવતી કાલે પણ આ મંડળ પોતાના ધ્યેય ને જરૂર થી પોચી વડશે
મંડળ ના મંત્રી હાલ સાઠંબા વાળા શ્રી વાડીલાલ મથુરદાસ શાહ છે તે મંડળ નો કાર્ય વ્યવહાર
દક્ષતાથી અને ભારે જહેમત થી ઉઠાવી રહ્યા છે સમુદાય ના જે જે યુવાનો હજી આ મંડળ માં
ન જોડાયા હોય તે પોતાની ફરજ સમજી સમુદાય ના હિત ની ખાતર પહેલા માં પહેલી તકે જોડાય
આ મંડળ ના પ્રમુખ શ્રી પુરષોત્તમ દાસ છગનલાલ શાહ છે
સંકલન
શ્રી રજનીકાન્ત દામોદરદાસ શાહ - સાયરા (મોડાસા)